James 4

1તમારામાં લડાઈ તથા ઝઘડા ક્યાંથી થાય છે? શું તમારા અંગમાંની લડાઈ કરનારી કુઇચ્છાથી નહિ? 2તમે ઇચ્છા રાખો છો, પણ તે તૃપ્ત થતી નથી, તેથી તમે હત્યા કરો છો અને ઝંખના રાખો છો પણ કંઈ મેળવી શકતાં નથી; તમે લડાઈ ઝઘડા કરો છો; પણ તમારી પાસે કંઈ નથી, કેમ કે તમે માગતા નથી. 3તમે માગો છો, તે પામતા નથી, કેમ કે તમે પોતાના મોજશોખ પર ખરચી નાખવાના ખરાબ ઈરાદાથી માગો છો.

4ઓ આત્મિક રીતે વ્યભિચારીઓ, શું તેમે જાણતા નથી, કે જગતની મિત્રતા ઈશ્વર પ્રત્યે દુશ્મનાવટ છે? એ માટે જે કોઈ જગતનો મિત્ર થવા ચાહે છે, તે ઈશ્વરનો વૈરી થાય છે. 5જે આત્માને તેમણે આપણામાં વસાવ્યો, તેને તે પોતાનો જ કરવાની ઇચ્છા રાખે છે, એવું શાસ્ત્રવચનમાં કહે છે તે શું ફોકટ છે એમ તમે ધારો છો?

6પણ તે તો વધારે કૃપાદાન આપે છે. માટે શાસ્ત્રવચન કહે છે કે, ઈશ્વર અહંકારીઓને ધિક્કારે છે, પણ નમ્ર પર કૃપા રાખે છે. 7તેથી તમે ઈશ્વરને આધીન થાઓ, પણ શેતાનની સામા થાઓ, એટલે તે તમારી પાસેથી નાસી જશે.

8તમે ઈશ્વરની પાસે જાઓ, એટલે તે તમારી પાસે આવશે; ઓ પાપીઓ, તમારાં હાથ શુદ્ધ કરો અને ઓ બે મનવાળાઓ તમે તમારા મન પવિત્ર કરો. 9તમે ઉદાસ થાઓ, શોક કરો અને રડો; તમારું હાસ્ય શોકમાં બદલાય તથા આનંદને બદલે ખેદ થાય. 10પ્રભુની સમક્ષ નમ્ર થાઓ એટલે તે તમને ઊંચા કરશે.

11ઓ ભાઈઓ અને બહેનો, તમે એકબીજાની નિંદા કરો નહી; જે પોતાના ભાઈની નિંદા કરે છે અને પોતાના ભાઈને દોષિત ઠરાવે છે તે નિયમને દોષિત ઠરાવે છે; અને જો તું નિયમને ન્યાય કરે છે; જયારે તું નિયમનો ન્યાય કરે છે, તો તું નિયમનો અમલ કરનાર નથી, પણ તેનો ન્યાય કરનાર છે. 12નિયમ આપનાર તથા ન્યાય કરનાર એક જ છે, તે તો ઉધ્ધાર કરવાને તથા નાશ કરવાને શક્તિમાન છે. પણ તું કોણ કે બીજાનો ન્યાય કરે છે?

13હવે ચાલો, તમે કહો છો કે, આજે કે કાલે અમે આ કે તે શહેરમાં જઈને ત્યાં એક વર્ષ સુધી રહીશું; અને વેપાર કરીને લાભ મેળવીશું. 14હવે તમે તો નથી જાણતા કે કાલે શું થવાનું છે. તમારી જિંદગી શાના જેવી છે? કેમ કે તમે તો ધુમ્મસ જેવા છો, કે જે થોડીવાર દેખાય છે પછી અદ્રશ્ય થાય છે.

15પણ તેના બદલે તમારે એમ કહેવું જોઈએ, કે જો પ્રભુની ઇચ્છા હશે, તો અમે જીવતા રહીશું અને આમ કે તેમ કરીશું. 16પણ હવે તમે તો ગર્વ કરીને બડાઈ કરો છો, આ બધી બડાઈ ખોટી છે. એ માટે જે ભલું કરી જાણે છે, પણ કરતો નથી, તેને પાપ લાગે છે.

17

Copyright information for GujULB